આસામમાં દીપડાના એક બાદ એક હુમલામાં ત્રણ વન અધિકારીઓ સહિત 15 લોકો ઘાયલ થયા છે. આસામના જોરહાટમાં છેલ્લા 24 કલાકમાં દીપડાએ વન અધિકારીઓ અને રેઈન ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (RFRI)ના રહેવાસીઓ પર હુમલો કર્યો, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. વન અધિકારીઓએ શૂટ કરવામાં આવેલા વીડિયોમાં દીપડો કાંટાળા તારની વાડ પરથી કૂદતો અને ફોર વ્હીલર પર હુમલો કરતો જોવા મળ્યો હતો. તો અન્ય એક વીડિયોમાં તે જીપમાંથી બહાર નીકળતો દેખાઈ રહ્યો છે.
RFRI જંગલોથી ઘેરાયેલા જોરહાટની બહાર સ્થિત છે અને ત્યાંથી દીપડો કેમ્પસમાં ઘૂસી ગયો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે દીપડાને પકડવા અને તેને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ રહેવાસીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.