કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સરકારે લિંગાયત સમુદાયના પંચમસાલી અને વોક્કાલિગા સમુદાયને રીઝવવા માટે અનામત ક્વોટા વધારવાનો નિર્ણય લીધો છે. તેના માટે રાજ્ય કેબિનેટે અન્ય પછાત વર્ગની અલગ શ્રેણી બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અત્યારે 56 ટકા અનામત છે. વોક્કાલિગા અને પંચમસાલી લિંગાયત માટે OBC યાદીમાં 2સી અને 2ડી શ્રેણી બનાવાઇ છે. તેનાથી અત્યારે 3Aમાં સામેલ વોક્કાલિગા અને 3Bમાં સામેલ પંચમસાલી લિંગાયત 2સી અને 2ડી શ્રેણીઓમાં સામેલ થશે. જોકે સ્થાયી પછાત વર્ગ પંચના અંતિમ રિપોર્ટ સુધી આ શ્રેણીઓને કેટલી અનામત મળશે તે અંગે સ્પષ્ટતા નહીં થાય.
સરકારી સૂત્રોનુસાર ઓછામાં ઓછા 2થી 3 ટકા સુધી અનામતમાં વધારો થઇ શકે છે. તે માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને નોકરીઓ માટે છે. બંને સમુદાયોનો રાજ્યમાં સારો પ્રભાવ છે અને તેઓ ચૂંટણીનાં પરિણામો નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દક્ષિણમાં વોક્કાલિગાનું બિનઅનામત 50થી 60 સીટો પર અને ઉત્તર, મધ્ય કર્ણાટકમાં 100 સીટો પર લિંગાયતનો પ્રભાવ છે. 2018ની ચૂંટણીમાં રાજ્ય વિધાનસભાની 224માંથી લગભગ અડધી સીટો આ બંને સમુદાયો પાસે હતી.
કોંગ્રેસ-JDSની વોટબેન્ક પર ભાજપની નજર
લિંગાયત ત્રણ દાયકાથી ભાજપને સમર્થન આપે છે પરંતુ વોક્કાલિગા કોંગ્રેસ અને JDSને સમર્થન આપે છે. ભાજપે એક જ દાવમાં પોતાની વોટબેન્ક મજબૂત કરવા ઉપરાંત વિપક્ષની ચિંતા પણ વધારી છે.