દિલ્હી લિકર પોલિસી કેસમાં પીએમએલએ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી 6 દિવસના ED રિમાન્ડ પર મોકલ્યા છે. આ પહેલા 3 કલાકની સુનાવણી બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો.
શુક્રવારે બપોરે 2 વાગ્યે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બપોરે 2.15 વાગ્યે શરૂ થઈ અને 5.15 વાગ્યા સુધી ચાલી હતી. કોર્ટે 3 કલાક બાદ 8.34 કલાકે પોતાનો ચુકાદો આપ્યો હતો.
કોર્ટમાં તેની દલીલોમાં તપાસ એજન્સીએ સીએમને આ કેસના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા. EDએ કહ્યું કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી ઘડવામાં સીધા સામેલ હતા. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ED પાસે બધુ જ છે તો ધરપકડની જરૂર કેમ પડી?
ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ દલીલો આપી. વકીલ અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ અરવિંદ કેજરીવાલનો પક્ષ રજૂ કર્યો હતો. દરમિયાન વિપક્ષના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા હતા. કેજરીવાલની 21 માર્ચે સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી.