Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં દિલ્હી પોલીસે નવો ઘટસ્ફોટ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવતી સાથે સ્કૂટી પર તેની બહેનપણી પણ હતી. ટક્કર પછી યુવતી કાર નીચે ફસાઈ ગઈ અને તેને 12KM સુધી ઢસડવામાં આવી. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. પોલીસ આજે તેનું નિવેદન નોંધશે.


31 ડિસેમ્બરે રાત્રે 2 વાગ્યાની આસપાસ 20 વર્ષીય યુવતીને કારમાં સવાર પાંચ યુવકે ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવકો કાર લઈને ફરાર થઈ ગયા. છોકરી કારની નીચે ફસાઈ ગઈ અને ઢસડાતી રહી. પોલીસના જણાવ્યા અનુસાર, તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પાંચેય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ તમામના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે, જેથી જાણી શકાય કે તેઓ નશામાં હતા કે નહીં. મૃતકના અંતિમસંસ્કાર મંગળવારે થઈ શકે છે.

સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ પુરાવાના આધારે ટાઇમલાઇન બનાવવામાં આવશે. આ માટે આરોપીઓને ક્રાઈમ સ્પોટ પર લાવવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આરોપીઓ સામે વધુ કલમો ઉમેરવામાં આવશે. સાંજે યુવતીના મૃતદેહને મૌલાના આઝાદ મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો. અહીં લગભગ દોઢ કલાક સુધી તેમનું પોસ્ટમોર્ટમ થયું.

આ મામલે દિલ્હી પોલીસની થિયરી પણ શંકામાં આવી ગઈ છે. પોલીસનું કહેવું છે કે આ એક જીવલેણ અકસ્માત છે, પરંતુ પરિવારજનો તેને હત્યા ગણાવી રહ્યા છે. પીડિતાની માતાનું કહેવું છે કે તેણે ઘણાં કપડાં પહેર્યા હતા, પરંતુ જ્યારે તેનો મૃતદેહ મળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન હતી. એકપણ કપડું નહોતું. આ કેવો અકસ્માત છે?
અહીં દિલ્હી પોલીસના પીઆરઓ સુમન આલ્વાએ જણાવ્યું હતું કે કેટલીક ચેનલો આ મામલામાં એફઆઈઆરમાં બળાત્કાર અને હત્યાની કલમો સામેલ કરવાના સમાચાર ચલાવી રહી છે. આ ખોટું છે. પીડિત પરિવારે આ કલમોને પણ તપાસમાં સામેલ કરવાની માગણી કરી હતી. હવે મેડિકલ બોર્ડ મૃતદેહનું ઓટોપ્સી કરશે. રિપોર્ટ આવ્યા બાદ જ આ માગણીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.