અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડવોર અને મંદીના ભયને કારણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ 4,500 ડોલર સુધી પહોંચી શકે છે. ઈન્ટરનેશનલ રેટ મુજબ જો આપણે ગણતરી કરીએ તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 1.30 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.
વિદેશી ઈન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsએ આ અંદાજ જાહેર કર્યો છે, જોકે આ ત્યારે જ થશે જ્યારે ટ્રેડવોર અને મંદીના જોખમમાં નોંધપાત્ર વધારો થશે. જો ટ્રેડવોર અને મંદીનું જોખમ એક્સટ્રીમ લેવલ પર ન પહોંચે તોપણ, સોનાનો ભાવ પ્રતિ ઔંસ 3,700 ડોલર સુધી પહોંચી શકે છે.
સોનું હાલમાં એના રેકોર્ડ હાઈ પર છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામ ભાવ ₹93,353 પર પહોંચી ગયો છે. આ વર્ષે, 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 17,191 રૂપિયા વધીને એટલે કે 22.57% વધીને એ 93,353 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.