રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ સિવિક સેન્ટરમાં મિલકત વેરાની કામગીરી તેમજ જન્મ-મરણ નોંધણી, આધારકાર્ડ સુધારા વધારા અને લગ્ન નોંધણી સહિત માટે અલગ અલગ વ્યવસ્થા છે પણ તમામ કચેરીઓમાં સ્થળ હવે ટૂંકા પડી રહ્યા છે તેથી નવી વ્યવસ્થા કરવા માટે નિર્ણય લેવાયો છે.
મેયર ડો.પ્રદીપ ડવે મનપાના ઈજનેરો સહિતનાઓ સાથે સિવિક સેન્ટર, આધારકાર્ડ કેન્દ્ર અને જન્મ-મરણ વિભાગની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. બાદમાં નિર્ણય લેવાયો છે કે, આધારકાર્ડ કેન્દ્રમાં રિનોવેશન કરીને ત્યાં જગ્યા વધારવાની જરૂર છે આ ઉપરાંત જન્મ-મરણ વિભાગમાં અરજદારોની સંખ્યા ખૂબ રહેતી હોવાથી હવે ત્યાં જગ્યા ટૂંકી પડે છે તેથી ત્યાં વધુ જગ્યા આપવામાં આવશે. જ્યારે લગ્ન નોંધણી માટે હાલ સેન્ટ્રલ ઝોન કચેરીમાં ત્રીજા માળે આરોગ્ય વિભાગમાં અરજદારોને જવું પડે છે. આ વ્યવસ્થામાં પણ ફેરફાર કરીને જન્મ-મરણ વિભાગની જેમ જ ગ્રાઉન્ડ ફ્લોર પર તેની વ્યવસ્થા કરવામાં આવશે. સૌથી પહેલા આધારકાર્ડ કેન્દ્રના રિનોવેશનની કામગીરી થશે તે માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડાશે.