Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દુનિયાના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપ સરકાર સાથેના સંબંધ અને તેમની વિરુદ્ધ થતી ટીકાનો જવાબ આપ્યો છે. આ અંગે તેમણે કહ્યું કે, અદાણી જૂથનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધના કારણે થયો છે એ વાત જ નિરાધાર છે કારણ કે, અમે વિપક્ષ શાસિત રાજ્યોમાં પણ કાર્યરત છીએ.


અમારો હેતુ દરેક રાજ્યમાં મહત્તમ રોકાણનો છે. આજે અદાણી જૂથ 22 દેશના 22 રાજ્યમાં કાર્યરત છે, જે બધામાં ભાજપ સરકાર નથી. અમે કેરળમાં ડાબેરી સરકાર છે, બંગાળમાં મમતા બેનરજી, ઓડિશામાં નવીન પટનાયક, આંધ્રમાં જગમોહન રેડ્ડી તેમજ તેલંગાણામાં કેસીઆરની સરકાર છે, એ બધા સાથે અદાણી જૂથ કાર્યરત છે. આ કોઈ જ સરકાર સાથે અમારે તકલીફ નથી.

વડાપ્રધાન મોદી અંગે વાત કરતા તેમણે કહ્યું કે, હું તમને કહેવા ઇચ્છીશ કે મોદીજી સાથે તમે વ્યક્તિગત સલાહ નથી લઈ શકતા. તમે તેમની સાથે ફક્ત નીતિવિષયક વાત કરી શકો છો, દેશહિતમાં ચર્ચા કરી શકો છો, પરંતુ જે નીતિ બને છે, તે બધા માટે હોય છે. ફક્ત અદાણી જૂથ માટે નહીં.

અદાણી જૂથના વધતા વેપારની ટીકા અંગે 60 વર્ષય અદાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી વારંવાર અમારી સામે ક્રોની કેપિટલિઝમનો આરોપ મૂકે છે, પરંતુ તે રાજકારણ છે. રાજસ્થાનનું ઉદાહરણ લો, ત્યાં કોંગ્રેસ સરકાર છે. ત્યાં અમે રૂ. 68 હજાર કરોડનું રોકાણ કર્યું છે. રોકાણ કરવું સામાન્ય બાબત છે. હું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આમંત્રણથી ત્યાં સંમેલનમાં પણ ગયો હતો. બાદમાં રાહુલ ગાંધીજીએ પણ રાજસ્થાનમાં અમારા રોકાણને આવકાર્યું હતું. હું જાણું છું કે, તેમની નીતિઓ પણ વિકાસ વિરોધી નથી.

અદાણી જૂથની સફર ચાર દસકા પહેલા શરૂ થઇ હતી અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી. મને પહેલો બ્રેક 1985માં મળ્યો હતો, ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને નવી આયાત-નિકાસ નીતિ અાવી હતી, જેથી અમારી કંપની ગ્લોબલ ટ્રેડિંગ હાઉસ બની હતી. બીજો બ્રેક 1991માં મળ્યો. ત્યારે પી.વી. નરસિમ્હા રાવ અને ડૉ. મનમોહન સિંહની સરકારમાં અમે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરી શક્યા. તેનાથી દેશમાં ઇન્ફ્રા ક્ષેત્રને નવી દિશા મળી હતી.