શહેરમાં છેતરપિંડીના વધુ એક બનાવની અમદાવાદ રહેતા અને ભાગીદારીમાં મોમાઇ લોજિસ્ટિકના નામથી વેપાર કરતા કિશનભાઇ ચત્રભુજભાઇ મથ્થર નામના પ્રૌઢે તેમની જ પેઢીમાં નોકરી કરતા હરદીપ રાજેશ જામંગ, જિગ્નેશ અશોક ઠાકરિયા, ધવલ ગિરીશ માકડિયા સામે રૂ.12.44 લાખની છેતરપિંડી કર્યાની કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વેપારીની ફરિયાદ મુજબ, તેમની પેઢીના તેઓ 10 ટકાના ભાગીદાર છે અને રાજકોટના નવાગામ આવેલી પેઢીની બ્રાંચનો તમામ વહીવટ તેઓ સંભાળે છે. જ્યારે આ પેઢીના માલિક જામનગર રહેતા ભગીરથસિંહ દોલતસિંહ જાડેજા છે. રાજકોટ બ્રાંચમાં હરદીપ, જિગ્નેશ અને ધવલ છેલ્લા દોઢ વર્ષથી પેઢીનું સંચાલન કરે છે. રોજ ટ્રકમાંથી માલ-સામાન ઉતારી જે તે પાર્ટીને પહોંચતો કરી તેના ભાડાની રકમ ઓફિસમાં જમા કરાવવાની જવાબદારી સંભાળે છે. દરમિયાન ભાગીદાર ભગીરથસિંહે 2022-23ના વર્ષનો હિસાબ તપાસ કરતા હિસાબમાં તાળો મળતો ન હોય તેઓ રાજકોટ ઓફિસે આવી ચોપડા તપાસ્યા હતા. જેમાં અમે જે ટ્રક ભાડાથી બંધાતી હતી. તેના ભાડાની રકમ તેમને તે જ સમયે ચૂકવી આપતા હોય આ હિસાબમાં ગોટાળો જોવા મળ્યો હતો. તપાસ કરતા નવાગામની બ્રાંચમાં કામ કરતા ત્રણેય કર્મચારીએ 20 જેટલી ખોટી ભાડા ચિઠ્ઠીઓ બનાવી કુલ રૂ.12,44,000નો ખોટો ખર્ચ બતાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ત્રણેયની પૂછપરછ કરતા ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા હતા. અંતે તેમને રૂપિયા ચાંઉ કર્યાની કેફિયત આપતા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ પૈકી જિગ્નેશ અને ધવલને સકંજામાં લઇ ધરપકડકરી છે.