અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિમાં હવે અમેરિકામાં જ ફુગાવા સહિતની પરિસ્થિતિ વણસવાના સંકેતે રોલબેક માટેના વધતાં દબાણને લઈ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ પાછી ખેંચવાના સંકેતે આજે વૈશ્વિક બજારોમાં તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. ઘણા શેરો હવે આકર્ષક વેલ્યુએશને ઉપલબ્ધ બનતાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓ ફરી સક્રિય લેવાલ બની જઈ તેજીમાં આવી ગયા હતા.
ભારત પર પણ 100% ટેરિફની ધમકી ટ્રમ્પે ઉચ્ચાર્યા છતાં વાટાઘાટ બાદ આ વિચારણા આગામી દિવસોમાં પડતી મૂકાય એવી શકયતા અને ચાઈના પર ટેરિફની અમેરિકાની આક્રમક નીતિને ભારતને એડવાન્ટેજ બની રહેવાના અંદાજે આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ, એનટીપીસી, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં 5% સુધી ઉછાળો નોંધાતાં નિફ્ટી ફ્યુચરે ફરી પાછી અતિ મહત્ત્વની 22500 પોઈન્ટની સપાટી પાછી મેળવી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધતાં રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યોહતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.65% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.63% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4103 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 990 અને વધનારની સંખ્યા 3006 રહી હતી, 107 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 3 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 18 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.