ભારતીય ગાયો મારફતે ઓસ્ટ્રેલિયામાં માનસિક રીતે બીમાર લોકોની સારવાર કરાઇ રહી છે. અહીં નોર્થ ક્વિન્સલેન્ડમાં કાઉ કડલિંગ કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે, જ્યાં માનસિક શાંતિ માટે લોકો ગાયને આલિંગન આપવા માટે પહોંચી રહ્યા છે. ગાયોની સાથે સમય વિતાવીને શાંતિ મેળવી રહ્યા છે. તેને ગળે લગાવીને તેની સેવા કરી રહ્યા છે. તેના માટે ચાર્જ પણ ચૂકવવો પડે છે. ત્યાં સુધી કે આ વર્ષથી 4 એનડીઆઇએસ કંપનીઓ (નેશનલ ડિસેબિલિટી ઇન્શ્યોરન્સ સ્કીમ) તેને પોતાની નવી સ્કીમમાં પણ કવર કરવાની યોજના બનાવી રહી છે.
ભારતીય પ્રજાતિની ગાયો શાંત હોવાથી તેની પસંદગી કરવામાં આવી છે. માનસિક સમસ્યામાંથી પસાર થઇ રહેલી ડોના અસ્તિલ ‘કાઉ કડલિંગ’ ફાર્મ પર ગાયોની સેવા કરે છે. માનસિક રીતે બીમાર હોવા છતાં અહીં નોકરી મળી ગઇ. તે પર્સનાલિટી ડિસઓર્ડર, ગભરાટ અને ડિપ્રેશનથી પીડિત છે. ધીરે-ધીરે તે ઠીક થઇ રહી છે. તે જણાવે છે કે, આ ભારતીય ગાયોએ મારો જીવ બચાવ્યો છે. એક વર્ષ પહેલાં સુધી જો કોઇએ મને કાઉ થેરપી વિશે કહ્યું હોત તો હું તેને હાસ્યાસ્પદ સમજી હોત, પરંતુ એક વર્ષમાં હું પહેલાથી વધુ સ્વસ્થ છું. હા વાત મારા જુડવા દીકરાઓ પણ અનુભવી રહ્યાં છે. દરેક ગાયનું અલગ વ્યક્તિત્વ હોય છે. તે તમને અંદરથી સ્વસ્થ કરે છે. અહીં ગાયો ઓટિઝમથી પીડિત દર્દીઓ માટે થેરપિસ્ટ જેવું કામ કરે છે. તેઓની પણ ગાયની સાથે રાખીને સારવાર કરાય છે.