જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે મહારાજાની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપે આખરે ડોગરા શાસક મહારાજ હરિસિંહના જન્મદિને સરકારી રજા જાહેર કરવાની તૈયારી કરી છે. આ આઝાદ ભારતમાં સંભવતઃ પહેલીવાર હશે, જ્યારે કોઈ રાજાના જન્મદિને સરકારી રજા હોય.
રાજપૂત સમાજે આ માંગને લઈને આંદોલનની ચેતવણી પણ આપી છે. તે જોતા ભાજપના સ્થાનિક નેતાઓએ જમ્મુની સિવિલ સોસાયટી અને વેપારી સંગઠનો સાથે બેઠક યોજી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું છે કે, ‘ભાજપે વિલય દિવસ (26 ઓક્ટોબર) નિમિત્તે સરકારી રજા જાહેર કરી.
હવે અમારો પ્રયાસ છે કે, મહારાજાના જન્મદિને (23 સપ્ટેમ્બર) પણ જેમ બને તેમ ઝડપથી રજાનું નોટિફિકેશન જાહેર થાય. આ અંગે એલજીએ અમને આશ્વાસન પણ આપ્યું છે.’ કાશ્મીરમાં મહારાજા વિરુદ્ધ બળવો કરનારાની યાદમાં શહીદી દિવસ ઊજવાય છે. એટલું જ નહીં, રજા પણ જાહેર થતી રહી છે. આ જ કારણસર ભાજપ-પીડીપીની સંયુક્ત સરકાર વખતે પણ પીડીપી મહારાજાની જયંતિ પર રજા જાહેર કરવા રાજી ન હતી.