જામનગર 9 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSGની બે ટીમે પણ આખી રાત વિમાનની તપાસ કરી હતી અને હવે સવારે મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજી સુધી વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપે પછી જ ફ્લાઈટ ટેક ઓફ થશે અને લગભગ સવારે 11 વાગ્યે ફ્લાઈટ ઉડાન ભરે એવી સંભાવના છે.
ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો મેલ ગોવા ATCને મળ્યો હતો અને ેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોવા એર ટ્રાફિક કંટ્રોલને મેલ દ્વારા વિમાનમાં બોમ્બ હોવાની જાણકારી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ મેલ કોણે અને શા માટે મોકલ્યો હતો. આ AZUR ફ્લાઇટમાં 236 મુસાફર હતા, જે તમામ રશિયન નાગરિકો છે.