રોકાણકારોને યેનકેન પ્રકારે લાલચ આપી ચીટર ટોળકી કળા કરી જતા હોવાના વધુ એક બનાવની યુનિવર્સિટી રોડ, ઝવેરચંદ મેઘાણી ટાવરમાં રહેતા મહેશભાઇ મોહનભાઇ પરમાર નામના ફોટોગ્રાફરે યાજ્ઞિક રોડ, માધવ કોમ્પ્લેક્સમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના નામની ઓફિસ ધરાવતા પલક પ્રફુલ્લ કોઠારી નામના શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બે વર્ષ પહેલા તે ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં એડવાઇઝરી તરીકે નોકરી કરતા હતા. ત્યારે કંપનીના મેનેજર શેખર બાજપાઇએ મારા મિત્રની પેઢીમાં રોકાણ કરવાથી ઘણો ફાયદો થશે તેવી વાત કરી હતી. જે
થી પોતાની પાસે રૂ.5 લાખ હોય અને રોકાણ કરવું હોવાનું જણાવતા તેઓ રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસે લઇ ગયા હતા. જ્યાં પલક સાથે ઓળખાણ કરાવી હતી. બાદમાં રોકાણ કરવા માટે પલક કોઠારીને રૂ.5 લાખનો ચેક આપ્યો હતો. જેથી પલક કોઠારીએ અઠવાડિયા બાદ એગ્રીમેન્ટ કરવાની વાત કરી હતી. ત્યાર બાદ પલક કોઠારીની ઓફિસે જઇ ત્યાંથી મંગળા મેઇન રોડ પર કમલ ફૂલસિંહ જરોલી નામના વકીલ પાસે લઇ ગયા હતા. ત્યાં રૂ.300ના સ્ટેમ્પ પેપરમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં ટ્રેડિંગ કરી પ્રોફિટ આપવા તથા રોકાણ 11 મહિના માટેનું એગ્રીમેન્ટ કરાયું હતું.