ઉત્તરાખંડમાં જોશીમઠમાં વધુ બે હોટલ નમવા લાગી છે. આ બંને હોટલનું નામ સ્નો ક્રેસ્ટ અને કોમેટ છે. બંને હોટલની વચ્ચે અંદાજે 4 ફૂટનું અંતર હતું, જે હવે ખૂબ ઓછું રહ્યું છે. આ બંને હોટલ છત એકબીજાને અડી ગઈ છે, એટલે કે હવે આ બંને હોટલ ગમે ત્યારે એકબીજાને અથડાઈ શકે છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બંને હોટલ ખાલી કરાવી દેવામાં આવી છે. આ બંને હોટલથી 100 મીટર દૂર છે હોટલ મલારી ઈન અને માઉન્ટ વ્યૂ. આ બંને હોટલને પાડવાની પ્રક્રિયા રવિવારે શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ, જોશીમઠને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.
જોશીમઠ-ઔલી રોપવે પાસે મોટી તિરાડી પડી છે. આ રોપવેને એક સપ્તાહ પહેલાં જ બંધ કરી દેવામાં આવી છે. રોપવે એન્જિનિયર દિનેશ ભાટીએ જણાવ્યું હતું કે આ રોપવે પાસે એક દીવાલમાં ચાર ઈંચ પહોળી અને 20 ફૂટ લાંબી તિરાડ પડી છે.
આ વિસ્તારમાં તિરાડો પડી હોય એવાં ઘરોની સંખ્યા 723થી વધીને 826 થઈ ગઈ છે. એમાંથી 165 ઘર જોખમી જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યની ડિઝાસ્ટર સંસ્થાએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 223 પરિવારોને રિલીફ સેન્ટરમાં શિફ્ટ કરી દેવામા આવ્યા છે.