રશિયા ફાઇટર જેટ્સે બુધવારે(મંગળવારની રાતે) બ્લેક સીમાં અમેરિકાનું જાયન્ટ ડ્રોન MQ-9 રીપરને તોડી પાડ્યું છે. અમેરિકાનો દાવો છે કે અમેરિકન રીપર ડ્રોન અને બે રશિયન ફાઇટર જેટ SU-27 બ્લેક સીની ઉપર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડાન ભરી રહ્યા હતા ત્યારે એક જેટ ઇરાદાપૂર્વક ડ્રોનની સામે આવ્યું અને ફ્યૂલ છાંટવાનું શરૂ કર્યું. જેના લીધે ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચ્યું. તે પછી ડ્રોનને ટક્કર મારીને બ્લેક સીમાં તોડી પાડ્યું હતું.
આ ઘટના પછી બંને દેશની વચ્ચે અથડામણની સ્થિતિ પેદા થઈ ગઈ છે. US એરફોર્સના જનરલ જેમ્સ હૈકરે રશિયાની આ હરકતને ખૂબ જ ગેરજવાબદાર ગણાવી છે. બીજી બાજુ, રશિયાએ અમેરિકાના આરોપ સામે ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે અમારા ફાઇટર જેટ કોઈપણ અમેરિકી ડ્રોનના સંપર્કમાં આવ્યા નથી. સાથે જ કહ્યું કે, અમે અમેરિકા સાથે વિવાદ ઇચ્છતાં નથી.
બ્લેક સી યૂરોપ અને એશિયાની વચ્ચે આવેલું છે. તે ઉત્તર દિશામાં યુક્રેન, ઉત્તરપશ્ચિમમાં રશિયા, પૂર્વમાં જોર્જિયા, દક્ષિણમાં તુર્કી અને પશ્ચિમમાં બુલ્ગારિયા અને રોમાનિયાથી ઘેરાયેલું છે. બ્લેક સીની સરહદો રશિયા અને યુક્રેન સાથે મળે છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અહીં પણ તણાવ છે. યુદ્ધ દરમિયાન સામાન્ય રીતે રશિયન અને અમેરિકન એરક્રાફ્ટ અહીં ચક્કર લગાવતા જોવા મળે છે, પરંતુ આવો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે.