દેશના અનેક શહેરોમાં માંગ તેમજ ગ્રામીણ વિસ્તારોમાં બિનખાદ્ય વસ્તુઓ પર ખર્ચ વધવાની સાથે જ દેશ આર્થિક ઉડાન ભરવા તરફ પ્રયાણ કરી રહ્યો છે, જ્યારે બીજી તરફ વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ વધુ નાજુક જણાઇ રહી છે. તેનું કારણ એ છે કે એક તરફ મોંઘવારી દરમાં જે ઘટાડો થઇ રહ્યો હતો, તેને હવે બ્રેક લાગી છે. બીજી તરફ વૈશ્વિક આર્થિક સ્થિરતા માટેનું જોખમ ફરીથી વધ્યું છે.
અત્યારે ગભરાયેલા રોકાણકારો જોખમ લેવાની બચવાનું વલણ અપનાવી રહ્યા હોવાથી મૂડીનો પ્રવાહ અસ્થિર થઇ ચુક્યો છે. આ ટિપ્પણી આરબીઆઇ તરફથી મંગળવારે જારી કરાયેલ મે બુલેટિનમાં પ્રકાશિત એક લેખમાં આપવામાં આવી છે. અર્થતંત્રની સ્થિતિ નામનો આ લેખ આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેબબ્રત પાત્રાની નેતૃત્વ હેઠળની ટીમે લખ્યો છે.
લેખમાં કહેવામાં આવ્યું છે કે બે વર્ષમાં પહેલી વાર ગત ક્વાર્ટરમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓની માંગ શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળી છે. ઘરેલુ અને પર્સનલ પ્રોડક્ટ્સની મંજબૂત માંગને કારણે એફએમસીજી સેક્ટરનો વોલ્યૂમ ગ્રોથ 6.5% રહ્યો છે. જેને 7.6%ના ગ્રામીણ ગ્રોથને કારણે વેગ મળ્યો હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં 5.7%નો ગ્રોથ જોવા મળ્યો છે.