ઉત્તરીય ઠંડા પવનોને પગલે હાડ ગાળી નાંખતી ઠંડી પડતા લોકોને સીઝનની રેકોર્ડ બ્રેક તોડતી ઠંડીનો અનુભવ થયો છે. ગત 5મી, જાન્યુઆરીએ આકરી ઠંડીને પગલે નગરનું લઘુતમ તાપમાન સીંગલ ડિઝીટમાં આવી ગયું હતું. જ્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતનું લઘુતમ તાપમાન 10 ડીગ્રી અને વાસી ઉત્તરાયણના દિવસે લઘુત્તમ તાપમાન 8.3 ડીગ્રી નોંધાયું છે. દિવસનું મહત્તમ તાપમાન 24 ડીગ્રી નોંધાતા લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરજ પડી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાના કારણે હિમાલય તરફથી આવતા સીધા પવન ગુજરાત તરફ આવતાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં કડકડતી ઠંડી પડી નોંધાઈ હતી. ઠંડા પવનના કારણે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડીગ્રીએ પહોંચી ગયો હતો. નલિયામાં સૌથી વધુ 1 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. આ સિવાય 10 શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રીથી નીચે નોંધાયું હતું. હજુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. જેથી અમદાવાદમાં સિઝનમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડીગ્રી નીચે પહોંચ્યો છે. અમદાવાદના તાપમાનમાં સાડા પાંચ ડીગ્રીનો ઘટાડો થતાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.