રાજ્યમાં રખડતાં ઢોરને કારણે નાગરિકો પર હુમલા અને અકસ્માતોની છાશવારે બનતી ઘટનાઓ અને હાઇકોર્ટ દ્વારા થયેલી ટકોર બાદ રાજ્ય સરકારે રખડતાં ઢોર સામે કડક વલણ અપનાવતા ત્રણ દિવસમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા 8 હજાર જેટલાં રખડતાં ઢોર પકડવામાં આવ્યાં છે. જોકે, પાલિકાઓએ શહેરી વિકાસ વિભાગને સોંપેલા રિપોર્ટ પ્રમાણે હજુ 18,256 ઢોર પકડવાના બાકી છે.
સરકારને સોંપાયેલા રિપોર્ટ પ્રમાણે આઠ મનપામાં 31,952 અને 156 નગરપાલિકામાં 20,110 મળી કુલ 52,062 જેટલાં ઢોર હોવાનો અંદાજ હતો. જે પૈકી ચાલુ વર્ષમાં 28 ઓગસ્ટ સુધીમાં 8 મહાનગરોમાં 23,369 અને નગરપાલિકામાં 10,437 મળીને કુલ 33,806 ઢોર પકડાયા છે. 28 ઓગસ્ટે એક જ દિવસમાં મહાનગરોમાં 321 અને નગરપાલિકામાં 809 ઢોર મળી કુલ 1,124 ઢોર પકડાયા છે. ચાલુ વર્ષે રખડતાં ઢોર અંગે 8 મહાનગરોમાં 841 અને 156 નગરપાલિકામાં ત્રણ મળી કુલ 844 એફઆઇઆર નોંધાઈ છે.