ભારતીય મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ દ્વારા સંચાલિત કરાતી સંપત્તિ (AUM) ગત નાણાકીય વર્ષમાં 33.58% વધીને રેકોર્ડ 54.1 લાખ કરોડ પર પહોંચી ચૂકી છે. જે સાત વર્ષનો સૌથી ઝડપી ગ્રોથ છે. 2022-23 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડની AUM 40.5 લાખ કરોડ રૂપિયા હતી. વર્ષ 2023-24ના શરૂઆતના 11 મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં કુલ 5.1 લાખ કરોડનું રોકાણ જોવા મળ્યું હતું. તેમાં વર્ગીકરણ પ્રમાણે એક્ટિવલી મેનેજ્ડ ઇક્વિટી સ્કીમોમાં આવેલું 1.6 લાખ કરોડ રૂપિયાના ફંડનું મુખ્ય યોગદાન છે.
એપ્રિલ 2023 થી ફેબ્રુઆરી 2024 વચ્ચે મ્યુચ્યુઅલ ફંડમાં SIP મારફતે અંદાજે 1.8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. માર્ચમાં થયેલા રોકાણનો ડેટા થોડા સમય પછી જારી થશે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના તાજેતરના ડેટા અનુસાર સતત 12 નાણાકીય વર્ષથી ઇન્ડસ્ટ્રીની AUMમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની પાછળ મ્યુચ્યુઅલ ફંડમાં રિટેલ રોકાણકારોની વધતી રૂચિ અને શેરમાર્કેટની તેજી છે.
દેશની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં નાણાકીય વર્ષ 2011-12 દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા 12 વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં મજબૂત મોમેન્ટમ જોવા મળતા તેમાં સતત રોકાણમાં વૃદ્ધિનો ટ્રેન્ડ જોઇ શકાય છે પરંતુ હજુ પણ તે બેન્કોમાં જમા રકમની તુલનામાં અંદાજે એક ચતુર્થાંશ જ રકમ છે. એયુએમની દૃષ્ટિએ ટોપ 5 ફંડ્સમાં એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડની એયુએમ 27% વધીને 9.1 લાખ કરોડ રૂપિયા નોંધાઇ છે. જ્યારે ચોથા નંબર પર નિપન ઇન્ડિયાના AUMમાં સર્વાધિક 47%નો ગ્રોથ નોંધાયો છે. તે 4.3 લાખ કરોડ રૂપિયાના સ્તરે છે. આગામી સમયમાં પણ તેમાં સતત રોકાણનો ટ્રેન્ડ યથાવત્ રહી શકે છે.