ઈઝરાયલના વડાપ્રધાને ફરી એકવાર યુદ્ધવિરામ માટે વધતા દબાણ વચ્ચે ના ઝૂકવાનો સંકેત આપ્યો છે. મીડિયાને જારી નિવેદનમાં નેતન્યાહૂએ કહ્યું- હમાસના વિનાશ સુધી યુદ્ધ ચાલુ રહેશે. હમાસ પાસે બે જ વિકલ્પ છે. તેના આતંકવાદીઓ આત્મસમર્પણ કરશે અથવા માર્યા જશે.
બીજી તરફ હમાસની રાજકીય પાંખના ચીફ ઈસ્માઈલ હાનિયા બુધવારે ઈજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા. અહીં હમાસ અને ઇજિપ્તની નેતાગીરી વચ્ચે હમાસ કેદમાં બંધકોને છોડાવવા પર વાતચીત ચાલી રહી છે.
મીડિયામાં જારી કરાયેલા નેતન્યાહૂના નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે ઈઝરાયેલ યુદ્ધવિરામ માટે તૈયાર નથી, ઓછામાં ઓછું હજી તો નથી. નિવેદનમાં નેતન્યાહૂએ કહ્યું- અમે આ યુદ્ધને અંત સુધી લઈ જઈને જ ખતમ કરીશું. જ્યાં સુધી હમાસનો નાશ ન થાય, જ્યાં સુધી આપણને વિજય ન મળે, જ્યાં સુધી આપણા તમામ લક્ષ્યો પૂરા ન થાય ત્યાં સુધી... આ યુદ્ધ ચાલુ રહેશે. આતંકવાદીઓ આત્મસમર્પણ કરશે અથવા માર્યા જશે. બંધકોને પણ મુક્ત કરવામાં આવશે.
ઈઝરાયલના વડાપ્રધાને આગળ કહ્યું- જે લોકો વિચારી રહ્યા છે કે અમે યુદ્ધ બંધ કરીશું, તેઓ જમીની વાસ્તવિકતાથી વાકેફ નથી. હમાસને નરકમાં મોકલીને જ આપણે મરીશું.