Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ સહિત રાજ્યભરમાં હાલ કાતિલ ઠંડીની લહેર અનુભવાઈ રહી છે. તાપમાનનો પારો ગગડતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે ત્યારે સૌથી વધુ ઠંડીની અસર વહેલી સવારે સ્કૂલે જતા ભૂલકાંઓ અને મોટા વિદ્યાર્થીઓને થઇ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળા સંચાલકોને સ્કૂલનો સવારનો સમય એક કલાક સુધી મોડો કરવા સ્વેચ્છાએ નિર્ણય લઇ શકે તે માટેની છૂટછાટ આપી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક શાળા સંચાલક પોતાની રીતે જ તેમની શાળાનો સમય મોડો કરી શકશે.


આ ઉપરાંત ઠંડીને કારણે બાળકોમાં શરદી, ઉધરસ તાવ જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે બીમાર બાળકોને શાળાએ નહીં મોકલવા શાળાઓએ વાલીઓને પણ સૂચના આપી છે.સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે રાજકોટની કેટલીક શાળાઓએ ભૂલકાંઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ સ્કૂલનો સવારનો સમય અડધાથી એક કલાક સુધી મોડો કરાયો છે.

ખાસ કરીને પ્લે હાઉસ, એલકેજી, એચકેજી અને પહેલા-બીજા ધોરણના નાના બાળકોને ધ્યાનમાં રાખીને કેટલીક શાળાઓએ સ્કૂલનો સમય મોડો કરાયો છે. ઠંડી વચ્ચે વહેલી સવારે શાળાએ જતાં નાના બાળકોની સ્થિતિ દયનીય બની છે. વહેલી સવારે શાળા પહોંચવા બાળકોને ઊઠીને તૈયાર થવાની ફરજ પડે છે. મોટેરાઓ પણ ઠંડી સહન ન કરી શકે તેવા વાતાવરણમાં અનેક બાળકો બીમારીમાં પટકાયા છે.

ઠંડીને લીધે એવરેજ 10% વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે
છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે કેટલાક વાલીઓએ આવી કાતિલ ઠંડીમાં બાળકોને સ્કૂલે મોકલવાનું ટાળી રહ્યા છે. હજુ ચાર-પાંચ દિવસ ઠંડીનું જોર રહેવાનું હોય મોટાભાગની શાળાઓમાં એવરેજ 10% બાળકોની ગેરહાજરી જોવા મળી રહી છે. જેમાંથી કેટલાક બાળકો ઠંડીને કારણે ગેરહાજર રહે છે તો કેટલાક નાની-મોટી બીમારીને લીધે શાળાએ આવવાનું ટાળે છે. જોકે શાળા સંચાલકોએ પણ બીમાર બાળકોને શાળાએ આવવાનું ટાળવું જોઈએ જેથી અન્ય બાળકોને ઇન્ફેક્શન ન લાગે તેવી સૂચના પણ આપી છે.