રાજકોટના આજીડેમ પાસે કિસાન ગૌશાળા નજીક 14 કરોડના ખર્ચે 47 એકર ફોરેસ્ટ અર્બન જગ્યામાં રાજ્યનું પ્રથમ રામ વન બનાવવામાં આવ્યું છે. મનપા દ્વારા સાતમ-આઠમના તહેવારો દરમિયાન રાજકોટીયન્સને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. હાલ તહેવારો પૂર્ણ તથા મનપા દ્વારા ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે મેયર ડો.પ્રદિપ ડવની યાદીમાં જણાવ્યા અનુસાર 3થી 10 વર્ષના બાળકોની રૂ.10 અને વયસ્કોની રૂ.20 પ્રવેશ ફી વસુલવામાં આવશે. જયારે પ્રત્યેક સોમવારે રામવન બંધ રહેશે.
રામ વનની અંદર 14 વર્ષના વનવાસ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ અલગ અલગ પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી છે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોના અહીં અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશ દ્વાર, પર્વત લઇ આવેલ હનુમાનજી મહારાજના સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. રામ વનનું કામ પૂર્ણ થઇ જતા આજે મુખ્યમંત્રીના હસ્તે આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.