ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને મંગળવારે સવારે સ્કૂલમાં જ ધ્રુજારી આવ્યા બાદ બેભાન થઇ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ નહીં થતાં તબીબે કિડની, હાર્ટ અને ફેફસાં સહિતના અંગોના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલ્યા હતા, તેના રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.
ઢેબર રોડ પરના ગોપાલનગરમાં રહેતી અને જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગર (ઉ.વ.17) મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ સ્કૂલે ગઇ હતી અને શાળામાં પ્રાર્થના બાદ પોતાના વર્ગમાં પહોંચી હતી, વર્ગમાં શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા હતા તે વખતે જ અચાનક રિયાને ખેંચ સાથે ધ્રુજારી ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ કે.યુ.વાળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો, પોલીસે જણાવ્યું હતું કે, રિયા બે બહેનમાં મોટી હતી.
વિદ્યાર્થિનીના મૃતદેહનું મેડિકલ ઓફિસરે પોસ્ટમોર્ટમ કર્યું હતું, તબીબોએ જણાવ્યું હતું કે, રિયાને અગાઉ કોઇ બીમારી નહોતી તેવું તેના પરિવારજનોએ કહ્યું હતું, પોસ્ટમોર્ટમમાં સ્ટમક કે હાર્ટમાં કોઇ ચિહ્ન જોવા મળ્યું નહોતું, પેટમાં કોઇ ઝેરી પદાર્થની હાજરી મળી નથી, શરીરના વિવિધ ભાગના નમૂના લેવાયા હતા અને લેબોરેટરીના રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.