ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે એટલે કે બુધવારે બપોરે 1.30 હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ધરતી પર ન્યુઝીલેન્ડ ટીમ પાંચ વર્ષથી વધુ સમય પછી કોઈ મેચ રમશે. છેલ્લો મુકાબલો ઓક્ટોબર 2017માં રમાયો હતો. તે સમયે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરીઝ ભારતે 2-1થી પોતાના નામે કરી હતી. ન્યુઝીલેન્ડ ભારતમાં રમાયેલી 6માંથી એક પણ વન-ડે સિરીઝ જીતી શક્યું નથી.
આ મેચ જીતીને ભારતીય ટીમ છેલ્લા 4 વર્ષથી વન-ડેમાં કિવી સામે સતત હારથી છુટકારો મેળવવા માંગશે. આ સાથે જ ન્યુઝીલેન્ડ આ ફોર્મેટમાં ભારત સામેની જીતની ઝુંબેશને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ભારતે વેલિંગ્ટનમાં 3 ફેબ્રુઆરી 2019ના રોજ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વન-ડે જીતી હતી.
કોહલીને રેકોર્ડ બનાવવાની તક
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી પાસે 25 હજાર ઈન્ટરનેશનલ રન બનાવવાની તક છે. આ મુકામે પહોંચવાથી તેઓ માત્ર 119 રન દૂર છે. રોહિત શર્માની લીટરશિપ વાળી ટીમ ઈન્ડિયાએ વર્ષની પહેલી વન-ડે સિરીઝમાં શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતે છેલ્લી વન-ડેમાં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું. વન-ડે ઈતિહાસની આ સૌથી મોટી જીત હતી.