ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દ્વારા નિયત કરવામાં આવેલા તમામ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહેતા વેપારીઓના જીએસટી નંબર સસ્પેન્ડ કરવામાં આવે છે, અને બાદમાં આવા નંબર ચાલુ કરાવવા માટે વેપારીઓને "નેવાના પાણી મોભ ચડે' છે. પરંતુ હવે વેપારીઓને આ પ્રક્રિયા ઓનલાઇન થઇ જવાથી કચેરીના પગથીયા ઘસવામાંથી મુક્તિ મળી ગઇ છે.
એક વખત જીએસટી નંબર સસ્પેન્ડ થઇ ગયા બાદ વેપારીઓ, તેઓના બાકી રહી ગયેલા જીએસટી રિટર્ન ફાઇલ કરી અને તેની સંબંધિત કોપી લઇને જીએસટી કચેરીએ જવું પડતુ હતુ. જીએસટી અધિકારીઓ વારંવાર ધક્કા ખવરાવવા છતા નંબર પુન: ચાલુ કરવામાં અખાડા કરતા હતા. જીએસટી કાઉન્સિલને પણ આ અંગેની ભારે ફરિયાદો સાંપડી હતી.
સસ્પેન્ડ થયેલા જીએસટી નંબર પુન:કાર્યરત
હવે વેપારીઓના જીએસટી નંબર સસ્પેન્ડ થયા હોય તેની પાછળ કારણોની પરિપૂર્તિ કરી અને પેન્ડિંગ રિટર્ન ફાઇલ કરવાથી કોમ્પ્યુટર દ્વારા સંબંધિત જીએસટી નંબરની ક્વેરી પૂર્ણ થઇ જશે અને સસ્પેન્ડ થયેલા જીએસટી નંબર પુન:કાર્યરત થઇ જશે.