ચોટીલા નજીક બાઇકને કોઇ અજાણ્યા વાહને ઠોકરે લેતા રાજકોટનું દંપતી અને તેનું નવ માસનું બાળક બાઇક પરથી ફંગોળાયા હતા, ગંભીર રીતે ઘવાયેલા બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયું હતું.
મોરબી રોડ પરના ગણેશપાર્ક મેઇન રોડ પર રહેતા કમલેશભાઇ શાપરા (ઉ.વ.25), તેમના પત્ની શારદાબેન (ઉ.વ.22) અને પુત્ર દીક્ષિત (નવ માસ) મંગળવારે બાઇક પર ચોટીલા ગયા હતા અને સાંજે પાંચેક વાગ્યે ચોટીલાથી પરત બાઇક પર રાજકોટ આવવા નીકળ્યા હતા, કમલેશભાઇ અને તેનો પરિવાર ચોટીલાથી થોડે દૂર જ રાજકોટ તરફ પહોંચ્યા હતા.
ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કોઇ અજાણ્યા વાહને બાઇકને ઠોકર મારી હતી. વાહનની ઠોકરથી કમલેશભાઇ, તેમના પત્ની શારદાબેન અને માસૂમ બાળક દીક્ષિત રસ્તા પર ફંગોળાયા હતા, અકસ્માત સર્જી અજાણ્યો વાહનનો ચાલક નાસી ગયો હતો, ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા.