રાજકોટ આરટીઓની ટીમે તાજેતરમાં જ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતી ડ્રાઈવિંગ સ્કૂલોમાં ઓચિંતું ચેકિંગ કરતા તે સ્થળે ડ્રાઈવિંગ સ્કૂલ ચાલતી જ નહીં હોવાનો પર્દાફાશ થયો છે. શહેરમાં હાલ ઠેર ઠેર કાર ડ્રાઈવિંગ સ્કૂલો ચાલે છે જેમાંથી અનેક ડ્રાઈવિંગ સ્કૂલોની ન ઓફિસ છે કે ન કર્મચારી. આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ સ્કૂલ સંચાલકોએ જે સ્થળ દર્શાવ્યું છે ત્યાં અધિકારીઓએ ચેકિંગ કરતા ત્યાં ન ઓફિસ મળી કે ન સંચાલક. આવી 31 જેટલી ડ્રાઈવિંગ સ્કૂલને આરટીઓએ સસ્પેન્ડ કરવાની નોટિસ ફટકારતા શહેરમાં ચર્ચા જાગી છે.
આરટીઓના સરપ્રાઈઝ ચેકિંગમાં 31 જેટલી ડ્રાઈવિંગ સ્કૂલો સરનામા વિનાની હોવાનું ખુલ્યું હતું. આવી ડ્રાઈવિંગ સ્કૂલો કોઈ સ્થળે ચાલતી ન હતી માત્ર આ સ્કૂલોની ગાડીઓ જ રસ્તા પર દોડતી હતી. ત્યારબાદ આરટીઓની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આ ડ્રાઈવિંગ સ્કૂલોની ગાડીઓને પણ પકડી પાડી છે. આ તમામ ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલકોને આગામી તારીખ 15 જૂન સુધીમાં આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ સ્કૂલના તમામ જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે હાજર રહેવા આદેશ અપાયો છે.