અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. આ હાઇ પ્રોફાઇલ મેચ જોવા માટે એક લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં પહોંચવાના છે. ત્યારે આ દર્શકોને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો ઇમરજન્સી માટે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં આઈસીયુ બેડ સાથેની મીની હોસ્પિટલ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના 6 બેડ મૂકવામાં આવશે. આ સાથે જ ડોક્ટર, નર્સ સહિત 54 સભ્યોની ટીમ મેચ દરમિયાન સ્ટેન્ડ ટુ રહેશે.
VVIPથી લઈ સામાન્ય માણસ માટે 108ની સુવિધા
108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ ફાઇનલ મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો આવવાના છે. ત્યારે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ હાજર રહેશે. સ્ટેડિયમના મુખ્ય 6 ગેટ ઉપર 6 એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી છે. ફિલ્ડ ઓફ પ્લે એરિયામાં, પ્લેયર મેડિકલ રૂમ પાસે, સ્પેકટેટર મેડિકલ રૂમ પાસે, રેમ્પ પાસે અને ફાયર સેફ્ટી એરિયા પાસે એમ્બ્યુલન્સ મુકવામાં આવશે. VIP હોય કે VVIP કે પછી સામાન્ય માણસ હોય તમામ માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. જો કોઈ ટીમના ખેલાડી કે VVIPને પણ તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય અને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.