રાજકોટમાં રવિવારે 8.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે સિઝનનું સૌથી નીચું તાપમાન હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બુધવાર સુધી કોલ્ડવેવ રહેશે અને ગુરુવારથી ઠંડીનો પારો ડબલ ડિજિટમાં પહોંચે તેવી સંભાવના છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂકા ઠંડા પવનો ફૂંકાતા ઠંડી અને ઠાર બન્ને જોવા મળ્યા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. જોકે ગત સિઝનની સરખામણીએ સિંગલ ડિજિટમાં તાપમાન 28 દિવસ મોડું છે. 17 ડિસેમ્બર 2021ના રોજ રાજકોટમાં તાપમાન 9.2 ડિગ્રી હતું.
રાજકોટમા શનિ- રવિ એમ સતત બે દિવસ સુધી ઠંડો પવન ફૂંકાયો હતો. રાજકોટમાં સવારે પવનની ઝડપ 7 કિલોમીટર રહી હતી. જ્યારે દિવસમાં પવન 15 કિમીની ઝડપે ફૂંકાયો હતો .જેને કારણે લોકો આખો દિવસ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. જ્યારે મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી થયું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાન ઊંચું ગયું હતું. રવિવારે રજા હતી છતાં ઠંડીને કારણે બજાર અને જાહેર માર્ગો પર સામાન્ય દિવસ કરતા ઓછા લોકો જોવા મળ્યા હતા.