સામાન્ય નાગરિકો જો વીજળીનું બિલ ન ભરે તો નોટિસ આપ્યા બાદ 2 દિવસમાં PGVCL દ્વારા વીજ કનેકશન કટ કરી નાખવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છની 60 નગરપાલિકાઓનું 392 કરોડનું વીજ બિલ બાકી છે છતા ઉઘરાણી કરવામા આવતી નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જે નગરપાલિકાઓ વર્ષોથી સ્ટ્રીટ અને વોટર વર્કસનાં વીજ બિલની રકમ ભરતી નથી, તેને વધુ એક વખત નોટીસ પાઠવી બાકી બિલની રકમ ભરી દેવાની તાકિદ કરવામાં આવી છે. અમુક નગરપાલિકાઓ પાસે બાકી બિલની રકમ વસૂલવા માટે વીજ જોડાણો કાપવાની નોટીસ પણ આપવામાં આવી છે પરંતુ, તેમછતાં ગ્રાન્ટના અભાવે નગરપાલિકાઓ વીજ બિલની બાકી રકમ ભરતી નથી, જેના હિસાબે વર્ષોથી કરોડો રૂપિયાના બાકી બિલની વસૂલાત થતી નથી.
બાકી બિલની રકમમાં સુરેન્દ્રનગર નગરપાલિકા અગ્રેસર
સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકામાં સૌથી વધુ વીજબિલની બાકી રકમમાં સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રથમ નંબરે છે. જેની પાસે રૂ. 30 કરોડથી વધુ વોટર વર્કસના બિલ પેટે તેમજ રૂ. 20 કરોડથી વધુ રકમ સ્ટ્રીટલાઈટનાં બિલ પેટે બાકી છે એ જ રીતે સાવરકુંડલા પાલિકા પાસે વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટનાં બિલ પેટે રૂ. 50 કરોડ, ભૂજ નગરપાલિકા પાસે રૂ. 42 કરોડ, અંજાર પાસે રૂ. 32 કરોડ જેવી માતબર રકમ બાકી છે. સૌરાષ્ટ્ર- કચ્છની અંદાજે 20 નગરપાલિકા પાસે રૂ. 354 કરોડનાં વોટર વર્કસના અને રૂ. 37 કરોડનાં સ્ટ્રીટ લાઈટનાં બિલ સાથે રકમ રૂ. 392 કરોડ જેવી રકમ બાકી રહે છે.
માર્ચ નજીક આવતા નોટિસ પાઠવી ઉઘરાણા શરુ
સૌરાષ્ટ્રની જે નગરપાલિકા પાસે વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઇટના વીજ બિલ પેટે કોઈ વસૂલાત બાકી નથી અથવા તો નહિવત રકમ બાકી છે તેમાં ધોરાજી, ઉપલેટા, વાંકાનેર, દ્વારકા, વિસાવદર, ધ્રોલ, જામજોધપુર, બરવાળા, ગાંધીધામ અને ગઢકા પાલિકાનો સમાવેશ થાય છે. માર્ચ માસ નજીક આવતા હિસાબી ખાતાઓ સરભર કરવા માટે નગરપાલિકાને નોટિસ પાઠવી બાકી વીજ બિલના નાણાં ભરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.