સ્પિનરોના દમ પર ઈન્ડિયા-Aએ ત્રીજી અને છેલ્લી અનઑફિશિયલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ લાયન્સને 134 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે 3 મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી અને બીજી મેચ ભારતે ઇનિંગ અને 16 રને જીતી હતી.
રવિવારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ લાયન્સને જીતવા માટે 320 રનની જરૂર હતી, પરંતુ ટીમ છેલ્લી 8 વિકેટ ગુમાવીને માત્ર 185 રન જ બનાવી શકી અને 268ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. લાયન્સે દિવસની શરૂઆત 83/2 પર કરી. આ પહેલા ભારતે બીજા દાવમાં 409 રન બનાવ્યા હતા અને મુલાકાતી ટીમને 403 રનનો અશક્ય ટાર્ગેટ આપ્યો હતો.
પ્રથમ દાવમાં ઈન્ડિયા-Aએ 192 રન અને લાયન્સે 199 રન બનાવ્યા હતા. લાયન્સને પ્રથમ દાવમાં 7 રનની લીડ મળી હતી. સાઈ સુદર્શન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે ઈન્ડિયા-એ માટે 117 રનની ઇનિંગ રમી હતી. મુંબઈના ડાબોડી સ્પિનર શમ્સ મુલાની (60 રનમાં 5 વિકેટ) અને મધ્યપ્રદેશના ઑફ સ્પિનર સરંશ જૈન (50 રનમાં 3 વિકેટ)એ મળીને 8 વિકેટ ઝડપી હતી.