આજે માહ મહિનાની ગુપ્ત નવરાત્રિનો બીજો દિવસ છે અને દેવી સાધનાનો આ તહેવાર 30 જાન્યુઆરી એટલે કે સોમવાર સુધી ચાલશે. ગુપ્ત નવરાત્રિ વર્ષમાં બે વખત આવે છે, અને બે વખત પ્રગટ નવરાત્રિ આવે છે. ગુપ્ત નવરાત્રિમાં દેવીની દસ મહાવિદ્યાની પૂજા કરવામાં આવે છે. મહાવિદ્યાઓના સાધનાના નિયમો ખૂબ જ મુશ્કેલ છે. જો સાધનામાં નાનીએવી પણ કોઈ ભૂલ ન થવી જોઈએ. એટલા માટે ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવતી આધ્યાત્મિક સાધનાઓ નિષ્ણાત બ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, દેવી સતીના ક્રોધને કારણે દસ મહાવિદ્યા પ્રગટ થઈ હતી. સતી માતા પ્રજાપતિ દક્ષની પુત્રી હતાં. દક્ષને શિવ પસંદ ન હતા. દક્ષ જે સમયે યજ્ઞ કરી રહ્યા હતા એ સમયે યજ્ઞમાં ભગવાન શિવ સિવાય તમામ દેવતાઓ, ઋષિઓ અને મુનિઓને બોલાવ્યા હતા.
દેવી સતીને ખબર પડી કે તેના પિતા યજ્ઞ કરી રહ્યા છે, તેથી તેણે પણ પિતા પાસે જવાની તૈયારી કરી હતી. સતીએ ભગવાન શિવને કહ્યું કે તે યજ્ઞ માટે તેના પિતાના સ્થાને જવા માગે છે. શિવજીએ સતી માતાને કહ્યું, અમને યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. એટલા માટે આપણે ત્યાં ન જવું જોઈએ.
તો બીજી તરફ દેવી સતીએ કહ્યું હતું, પિતા પાસે જવા માટે કોઈ આમંત્રણની જરૂર હોતી નથી. શિવજીએ ઘણું સમજાવ્યું, પરંતુ સતી તેના પિતાના ઘરે જવાની જીદ કરી રહી હતી. શિવ દેવી સતીને રોકી રહ્યા હતા, જેના કારણે દેવી ક્રોધિત થઈ ગયાં અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
જ્યારે શિવજી દેવીને ક્રોધિત જોઈને ત્યાંથી જવા લાગ્યાં ત્યારે માતા સતીના દસ અલગ-અલગ સ્વરૂપો દસ દિશાથી પ્રગટ થયાં હતાં. આ દસ સ્વરૂપને જ દસ મહાવિદ્યા કહેવામાં આવે છે.
શિવના ઇનકાર પછી પણ દેવી સતી યજ્ઞમાં ભાગ લેવા તેના પિતા દક્ષના ઘરે પહોંચ્યા હતાં. પ્રજાપતિ દક્ષ યજ્ઞમાં સતીની સામે ભગવાન શિવનું અપમાન કરવા લાગ્યા. દેવી સતી આ સહન ન કરી શક્યાં અને યજ્ઞકુંડમાં કૂદીને પોતાના શરીરનું બલિદાન આપી દીધું હતું.