જસદણ-આટકોટ વચ્ચેનો રોડ અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો ત્રાસી ગયા હતા. જેથી રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ.12 કરોડના ખર્ચે આ રોડને ફોરલેન બનાવવા માટે મંજૂર કરાવતા આ રોડનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ રોડ બન્યાના ટૂંકા સમયમાં જ ઠેકઠેકાણે ગાબડાંઓ પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ જસદણ-આટકોટ રોડ પર દરરોજ બે હજારથી વધારે વાહનો આ મસમોટા ગાબડાઓના લીધે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.
જસદણના લોકોને રાજકોટ, ગોંડલ, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં જવા માટે તેમજ આટકોટ, જીવાપર, પાંચવડા, સાણથલી સહિતના વિસ્તારના પંદરથી વધારે ગામડાના લોકોને તાલુકા મથક જસદણ આવવા માટે આવા ખખડધજ રસ્તા ઉપરથી નાછૂટકે પસાર થવું પડી રહ્યું છે. આ રોડમાં અનેક જગ્યાએ મસમોટા ગાબડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય રહે છે. હાલ જસદણથી આટકોટ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો કાપવામાં વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને આંખે ફરજિયાત ચશ્માં પહેરીને પસાર થવું પડી રહ્યું છે.