ભવાનીને કામ કરતાંકરતાં અઠવાડિયું થયું હતું. કાર પ્લાન્ટમાં કામ કરનારા પુરુષોએ કહ્યું મહિલા થઈને ટાયર કેવી રીતે લગાવીશ!? ભવાની માટે આ પડકાર હતો. સ્ત્રી હોવામાત્રથી જ કોઈ અબળા કેમ કહી જાય! એ દિવસે ભવાનીએ 100 કારમાં પૈડાં ફિટ કર્યાં. એ લોકોએ ફરી પડકાર ફેંક્યો, થાકને કારણે કાલે તો રજા જ લઈશ ને! ભવાનીએ બીજા દિવસે 120 કારમાં પૈડાં ફિટ કર્યાં. હવે એ રોજ સેંકડો કારમાં ટાયર ફિટ કરે છે. તાતા મોટર્સના પૂણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભવાની કામ કરે છે. આ પ્લાન્ટ દેશનો એક માત્ર પ્લાન્ટ છે જ્યાં મહિલાઓ દર વર્ષે 75 હજાર એસયુવી તૈયાર કરે છે. ટાયર ફિટ કરવાથી માંડીને ક્વૉલિટી ચૅકિંગનું કામ મહિલાઓ કરે છે.
વાઇસ પ્રેસિડેન્ટ એચઆર સીતારામ કાંડીએ કહ્યું કે ચેક રિપબ્લિકમાં એક યુવતીને કારના બમ્પર ભરેલા ટ્રકને એકલાહાથે ખાલી કરતાં જોઈ ત્યારે આ વિચાર સૂઝ્યો. કોવિડનો સમય હતો એટલે વીડિયો કૉલ પર જ આ અંગે વાત શરૂ થઈ. આ શરૂ કરવા માટેની ચર્ચાઓમાં કંપનીના લોકોએ જ મહેણાં મારતાં કહ્યું કે ‘પહેલાં 150 લઈ આવો પછી 1500 મહિલા સાથે શરૂ કરવાની વાત કરજો.’