ઈરાનમાં સરકાર સામે લોકો અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે. શહેરોના લોકો શેરીઓમાં, દુકાનોમાં, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, વર્ગખંડ, મોલ્સ, રેસ્ટોરન્ટ, જીમ જેવા સ્થળોએ જ્યાં પણ ભેગા થાય છે ત્યાં તેઓ નાચી રહ્યા છે. આ વિરોધની શરૂઆત સાદેક બાના મોતેજાદેદ નામના 70 વર્ષીય વ્યક્તિથી થઈ હતી.
નવેમ્બરમાં સોશ્યિલ મીડિયા પર સાદેક અને કેટલાક લોકો માર્કેટમાં નાચતા અને ગાતા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. ડિસેમ્બરમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરતાં સાદેકના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ન્યાયતંત્રનું પ્રતીક લગાવી તેને બ્લોક કરી દીધી હતું. વીડિયોમાં નાચ-ગાન કરતાં 12 લોકોની અટકાયત કરાઈ હતી. અને કાયદાકીય કાર્યવાહીની ધમકી અપાઈ હતી. તેમજ તમામને પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કરવાની ફરજ પાડવામાં આવી હતી કે તેઓ ફરી ક્યારેય જાહેરમાં નૃત્ય કે ગાશે નહીં. ધરપકડના સમાચાર ફેલાતાં જ સમગ્ર ઈરાનમાં આક્રોશ ફેલાયો હતો. પરિણામે લોકો ભેગા થવા લાગ્યા અને સાદેકના ડાન્સ મૂવ્સની નકલ કરીને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા.
ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર સરકાર પર નાગરિકોની ખુશીઓથી નારાજ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. મોટાભાગના દેશોમાં જાહેરમાં નાચવા અને ગાવા પર પ્રતિબંધ નથી. પરંતુ ઈરાનમાં જાહેરમાં નાચવું, ખાસ કરીને મહિલાઓ તેમજ પુરુષો અને મહિલાઓ એકસાથે નૃત્ય કરવા પર પ્રતિબંધ છે. જો કે આ નિયમ નિયમિત રીતે તોડવામાં આવે છે.