એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને (EPFO) સબ્સક્રિપ્શન માટે કર્મચારીઓની ન્યૂનત્તમ સંખ્યા અને વેતનની શરત હટાવવાનો પ્રસ્તાવ કર્યો છે. આ યોજનાના અમલીકરણ બાદ માત્ર એક કર્મચારી ધરાવતી સંસ્થા કે કંપનીની સાથે પોતાનો બિઝનેસ શરૂ કરનારા લોકો પણ EPFOની નિવૃત્તિ બચત યોજનાનો લાભ ઉઠાવી શકશે.
સંસ્થાનો હેતુ દરેક ઔપચારિક કર્મચારીઓને રિટાયરમેંટ સેવિંગ સ્કીમ્સના દાયરા હેઠળ લાવવાનો છે. ફોર્મલ વર્કર્સ એવા લોકો હોય છે, જેને કોઇ કંપની અથવા સંસ્થા સ્થાપિત નિયમો અંતર્ગત નિયુક્ત કરે છે. તેમના કામના કલાકો નિર્ધારિત હોય છે અને નક્કી પગારની સાથે હેલ્થ બેનિફિટ અને રજા જેવી સુવિધાઓ પણ મળે છે.
ઇપીએફઓ પોતાના પ્રસ્તાવ પર અત્યારે દરેક સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરી રહ્યું છે. 20 અથવા તેનાથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થા કે કંપની જ EPFOની દરેક સામાજીક સુરક્ષા યોજનાનો ભાગ બની શકે છે. બીજી શરત એ છે કે કર્મચારીઓનો માસિક પગાર ઓછામાં ઓછો 15,000 રૂપિયા હોય.