વિશ્વની સૌથી મોટી લક્ઝરી કંપનીઓમાં સામેલ એલવીએમએચની પાસે લુઇ વિતાં, ક્રિશ્ચિયન ડાયર, ગિવેંચી, ટિફની એન્ડ કંપની અને ટેગ હ્યૂઅર જેવી 74 બ્રાન્ડ્સ છે. પરંતુ એલવીએમએચની એક મોટી સમસ્યા છે. તેમની બ્રાન્ડ્સની નકલી પ્રોડક્ટ ટિક-ટૉક શોપ જેવી લોકપ્રિય વીડિયો એપ ઉપરાંત અલીબાબાના ઑનલાઇન ટીમૉલ માર્કેટપ્લેસ, એમેઝોન અને જેડી ડૉટ કૉમ પર ઝડપી ગતિએ વેચાઇ રહ્યાં છે.
આ ઑનલાઇન માર્કેટ પર રજિસ્ટર્ડ વેન્ડર્સ છેલ્લા અનેક સમયથી ખૂબજ ઓછી કિંમતોમાં નકલી પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહ્યાં છે. તેને કારણે એલવીએમએચ જેવી લક્ઝરી અને મોંઘી પ્રોડક્ટ બનાવતી કંપનીઓની બ્રાન્ડ ઇમેજને નુકસાન થઇ રહ્યું છે.
ગ્રાહકો લોકપ્રિય બ્રાન્ડનું લેબલ ધરાવતી નકલી પ્રોડક્ટ્સની ખરીદી કરીને છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. તેનું સૌથી મોટું નુકસાન એ છે કે અસલી બ્રાન્ડ્સ હવે આ પ્લેટફોર્મ પર તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકતી નથી કારણ કે ત્યાં પહેલાથી જ તેનું નકલી વર્ઝન ઓછી કિંમત પર ઉપલબ્ધ છે. તેનાથી અસલી પ્રોડક્ટ્સનું મૂલ્ય ઘટી શકે છે.
જો કે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ છે, પરંતુ અમેરિકામાં ટિકટૉક શૉપ સોશિયલ મીડિયા એપની વીડિયો ફીડના એક હિસ્સાના રૂપમાં કામ કરે છે. તેમાં યૂઝર્સ અને બ્રાન્ડ વીડિયોના માધ્યમથી પ્રોડક્ટને ટેગ કરવામાં અને વેચવામાં સક્ષમ છે. અમેરિકન ટિક-ટૉક પર આ વર્ષે ક્રિસમસની હૉલિડી સીઝનમાં એક મહિનામાં અંદાજે દોઢ લાખ વેપારીઓ અને ક્રિએટર્સે વીડિયો પોસ્ટ કર્યા અને 50 લાખ નવા ગ્રાહકો સુધી પહોંચ બનાવી હતી.