તાઈવાન વિવાદને લઇ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ચીન તાઈવાનને હડપ કરવા મથી રહ્યું છે અને અમેરિકા તાઈવાનને મદદ કરી રહ્યું છે તેના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. ત્યારે આ માહોલ વચ્ચે અમેરિકન એરફોર્સના સિનિયર અધિકારી જનરલ માઈક મિનિહાને ચેતવણી આપી છે કે, અમેરિકા અને ચીન વચ્ચે 2025માં યુદ્ધ થઈ શકે છે.
તેમણે કહ્યું કે જો બે સૈન્ય શક્તિઓ યુદ્ધમાં ઉતરે તો સ્થિતિ ગંભીર બનશે. આવી સ્થિતિમાં યુદ્ધની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ. આ અંગે ટોચના જનરલે વરિષ્ઠ અધિકારીઓને મેમો પણ મોકલ્યો છે. મિનિહાને કહ્યું- મારો અંતરાત્મા કહે છે કે હું 2025માં યુદ્ધના મેદાનમાં લડીશ. અમેરિકામાં એર મોબિલિટી કમાન્ડમાં 1.1 સર્વિસ મેમ્બર અને અંદાજે 500 એરક્રાફ્ટ છે.
એર મોબિલિટી કમાન્ડ પરિવહન અને રિફ્યુઅલિંગ એરક્રાફ્ટના કાફલાની જાળવણી માટેની જવાબદારી સંભાળે છે. આ મેમોથી પ્રશાંત ક્ષેત્રના બંને કિનારાઓ પર ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ મેમોથી ચીન ભડકી ઊઠ્યું છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સે’ આ મેમોને લાપરવાહ અને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે.
દરમિયાન, ચીની સેનાના નિવૃત્ત વરિષ્ઠ કર્નલ અને સિંઘુઆ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ સિક્યુરિટી એન્ડ સ્ટ્રેટેજીના ફેલો ઝોઉ બોએ ટાઇમને જણાવ્યું હતું કે મિનિહાનનું અનુમાન બેજવાબદાર ભર્યું છે. તેમણે કહ્યું કે અમેરિકન જનરલ રણનીતિના ભાગરૂપે એક પણ ગોળી ચલાવ્યા વિના ચીનની છબી અને વિશ્વસનીયતાને ક્ષતિગ્રસ્ત કરવા માગે છે.
બીજી તરફ, યુએસના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ ડેનિયલ એલ. ડેવિસે ટાઈમને જણાવ્યું હતું કે આ ચેતવણીનો અર્થ એ છે કે કાં તો જનરલ ઘણું બધું જાણે છે જે આપણે નથી જાણતા અથવા ખરેખર ટૂંક સમયમાં તૈયાર રહેવા ચેતવી રહ્યા છે.