યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) મહાસભામાં યુક્રેનિયન ઠરાવ વિરુદ્ધ રશિયાના સમર્થનમાં મતદાન કર્યું. રશિયા સાથેના યુદ્ધનાં 3 વર્ષ પૂર્ણ થવા પર યુક્રેને યુએનમાં એક ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવમાં રશિયન હુમલાની નિંદા કરવામાં આવી હતી અને યુક્રેનમાંથી રશિયન સૈનિકોને તાત્કાલિક પાછા ખેંચવાની માગ કરવામાં આવી હતી.
અમેરિકાએ તેની જૂની નીતિઓથી વિપરીત, આ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું. જોકે, આ પ્રસ્તાવ 93 વિરુદ્ધ 18 મતોથી પસાર થયો. રશિયા, અમેરિકા, ઇઝરાયલ, હંગેરી, હૈતી અને નિકારાગુઆ જેવા મુખ્ય દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું, જ્યારે 65 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.