ઝારખંડના ધનબાદમાં જોડા ફાટક સ્થિત 10 માળના આશીર્વાદ ટ્વિન ટાવરમાં મંગળવારે સાંજે ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. સત્તાવાર રીતે 10 મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 24થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ હોવાનું કહેવાય છે. 20થી વધુ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગેલા છે.
મંગળવારે સાંજે 6.30 કલાકે ત્રીજા માળે આગ લાગી હતી. થોડી જ વારમાં તે એક ફ્લેટથી બીજા ફ્લેટમાં અને પછી 5 માળ સુધી ફેલાઈ ગઈ. આગની જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે સળગી જવાને કારણે મૃતદેહો ઓળખી શકાય તેમ નથી. કેટલાક મૃતદેહો એકબીજા સાથે ચોંટેલા છે. મૃતકોમાં 10 મહિલાઓ, ત્રણ બાળકો અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે.
હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. એપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટ ખાલી થઈ ગયા છે. ઘણા લોકો એપાર્ટમેન્ટના ટેરેસ પર જઈને જીવ બચાવવા આજીજી કરી રહ્યા છે.