લિયોનેલ મેસ્સી નિવૃત્ત થયા પછી તેની 10 નંબરની જર્સી પણ આર્જેન્ટીના રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ દ્વારા નિવૃત્ત કરવામાં આવશે. આર્જેન્ટી ફૂટબોલ એસોસિયેએશને આ નિર્ણય મેસ્સીના સન્માન માટે લીધો છે. મેસ્સી હજુ સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્ત થયો નથી.
મેસ્સીની કપ્તાનીમાં આર્જેન્ટીનાએ ગયા વર્ષે કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આર્જેન્ટીનાની ટીમ 36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બની છે. ફાઇનલમાં આર્જેન્ટીનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું.
સ્પેનિશ અખબાર માર્કાએ આર્જેન્ટીનાના ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ ક્લાઉડિયો તાપિયાને ટાંકીને કહ્યું હતું કે જ્યારે મેસ્સી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે ત્યારે અન્ય કોઈને તેની 10 નંબરની જર્સી પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મેસ્સીના સન્માનમાં 10 નંબરની જર્સી નિવૃત્ત કરવામાં આવશે.
મેસ્સી પહેલાં ડિયેગો મેરાડોના પણ આર્જેન્ટીના તરફથી રમતી વખતે 10 નંબરની જર્સી પહેરતા હતા. આર્જેન્ટીનાએ 2002માં મેરાડોનાના સન્માનમાં આ જર્સીને રિટાયર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશનના કડક નિયમોને કારણે આ થઈ શક્યું નહીં.
ફિફાના નિયમો અનુસાર, ટીમે 1થી 23 નંબરનો ઉપયોગ કરવો આવશ્યક છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં કોઈને આ નંબરની જર્સી લેવાની ફરજ પડી શકે છે.