રતન તાતા સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કરવા માટે ઘણા ઉત્સુક રહ્યાં હતા. રતન તાતા 1991 થી 2012 સુધી તાતા ગ્રૂપના ચેરમેન રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તાતા જૂથનો નફો 51 ગણો વધ્યો હતો જ્યારે તેની માર્કેટ કેપ 33 ગણી વધી હતી.
તાતા ગ્રૂપનું ચેરમેન પદ છોડ્યા બાદ તેમણે ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કર્યું. તાજેતરમાં તેણે બ્રોકરેજ પ્લેટફોર્મ અપસ્ટોક્સમાં તેનો 0.06% હિસ્સો સરેરાશ 2 મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 18 કરોડમાં વેચ્યો હતો. કંપનીમાં તેમના મૂળ રોકાણ પર તેમને 23,000% રિટર્ન મળ્યું હતું. સ્ટાર્ટઅપ કંપનીઓને સપોર્ટ કરવા માટે રતન તાતાએ ગ્રૂપનું ચેરમેન પદ છોડ્યા બાદ અનેક કંપનીઓમાં મોટા પાયે રોકાણ કર્યું હતું અને કંપનીઓને આગળ લાવવા માટે પુરતો સપોર્ટ કર્યો હતો.
તાતાએ આઠ વર્ષ પહેલા અપસ્ટોક્સમાં રોકાણ કર્યું હતું. 2016માં કંપનીમાં 1.33% હિસ્સો ખરીદ્યો હતો. આ શેર વેચાણ પછી અપસ્ટોક્સમાં તાતાનો હિસ્સો ઘટીને 1.27% પર આવી ગયો અને તેની પાસે હજુ પણ અપસ્ટોક્સમાં તેની 95% હોલ્ડિંગ છે. આ કંપની ભવિષ્યમાં જાહેરમાં જવાની યોજના ધરાવે છે. અપસ્ટોક્સ પહેલા રતન તાતાએ IPO માર્ગ દ્વારા બેબી કેર પ્લેટફોર્મ ફર્સ્ટક્રાયના કેટલાક શેર વેચ્યા હતા. સ્ટાર્ટઅપ કંપનીઓમાં ફંડિંગ પૂરૂ પાડવામાં તાતા અગ્રસ્થાને હતા.