મવડી નજીક ઓમનગરમાં રહેતા અને નજીક મોમાઇ ચોકમાં કેટરર્સની ઓફિસ ધરાવતા પ્રૌઢ અને તેની પુત્રી અને પુત્ર તેની ઓફિસે હતા ત્યારે અગાઉ કામ કરતી મહિલા સહિત પાંચ શખ્સોએ ધસી આવી રૂ.50 હજારની ઉઘરાણી કરી ધોકા-પાઇપ વડે હુમલો કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સામાપક્ષે પણ 1 વ્યક્તિ ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડાતા તાલુકા પોલીસે સામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ઓમનગરમાં રહેતા અને કેટરર્સના ધંધાર્થીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે વાલાભાઇ ડાંગર સહિત 5 શખ્સના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કેટરર્સનું કામ કરતા હોય અગાઉ પાંચેક માસ પહેલાં તેની સાથે પિઝાનું કામ કરતા કોમલબેન વનરાજભાઇ ચાવડાને અમારે રૂ.50 હજાર કામના દેવાના હોય. જેથી રાત્રીના તેની ઓફિસમાં તેની પુત્રી અને પુત્ર સાથે બેઠા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને કોમલબેનના પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કર્યો હતો.
ત્યાર બાદ કોમલબેનના ભાગીદાર વાલાભાઇ ડાંગર રિક્ષા લઇને આવ્યા હતા તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સ હોય તેને પણ 50 હજારની ઉઘરાણી કરી ગાળાગાળી કરતા તેને ગાળો બોલવાની ના પાડતા ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી મારી પુત્રી પાયલ (ઉ.32) અને પુત્ર વિશાલ (ઉ.34) મને છોડાવવા વચ્ચે પડતા તેની પર પણ હુમલો કરતાં લોકા એકઠા થઇ ગયા હતા. જ્યારે વાલાભાઇએ કહ્યું કે, પૈસા આપી દેજે નહીંતર બાપ-દીકરાને જીવતા નહીં મૂકી કહી નાસી ગયા હતા. ત્યાર બાદ તેને 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.