16 નવેમ્બરે રોજ કાલ ભૈરવ અષ્ટમી છે. આ દિવસે કાલ ભૈરવની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. કાલ ભૈરવનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથોમાં છે. શિવ પુરાણ પ્રમાણે, કાલ ભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. વામન પુરાણ પ્રમાણે, ભગવાન શિવના રક્તમાંથી આઠ દિશામાં અલગ-અલગ રૂપમાં કાલ ભૈરવ પ્રગટ થયા હતાં. આ આઠમાં કાલ ભૈરવ ત્રીજા હતાં. કાલ ભૈરવ રોગ, ભય, સંકટ અને દુઃખના સ્વામી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તકલીફો દૂર થાય છે.
પુરાણોમાં 8 ભૈરવનો ઉલ્લેખ
સ્કંદ પુરાણના અવંતિ ખંડ પ્રમાણે ભગવાન ભૈરવના 8 રૂપ છે. તેમાં કાલ ભૈરવ ત્રીજું રૂપ છે. શિવ પુરાણ પ્રમાણે સાંજના સમયે રાતનું આગમન અને દિવસ પૂરો થાય છે ત્યારે પ્રદોષ કાળમાં શિવના રૌદ્ર રૂપમાંથી ભૈરવ પ્રગટ થયાં હતાં. ભૈરવમાંથી જ અન્ય 7 ભૈરવ પ્રગટ થયાં અને કર્મ તથા રૂપ પ્રમાણે નામ આપવામાં આવ્યાં.
આઠ ભૈરવના નામ
1.રુરુ ભૈરવ
2.સંહાર ભૈરવ
3. કાલ ભૈરવ
4.અસિત ભૈરવ
5. ક્રોધ ભૈરવ
6. ભીષણ ભૈરવ
7. મહા ભૈરવ
8. ખટવાંગ ભૈરવ
કાલ ભૈરવની પૂજાથી બીમારીઓ દૂર થાય છે
ભૈરવનો અર્થ થાય છે, ભય હરનારો કે ભય જીતનારો. આથી કાલ ભૈરવની પૂજા કરવાથી મૃત્યુ અને દરેક પ્રકારના સંકટ દૂર થાય છે. નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, કાલ ભૈરવની પૂજા કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો કોઈ મુનષ્ય લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો તેની તકલીફ દૂર થાય છે. કાલ ભૈરવની પૂજા આખા દેશમાં અલગ-અલગ નામ અને પ્રકારે કરવામાં આવે છે. કાલ ભૈરવ ભગવાન શિવના પ્રમુખ ગણમાંના એક છે.