શિક્ષણના ધામ કહેવાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસને યુનિવર્સિટીના સત્તાધીશોએ લજવ્યું છે. યુનિવર્સિટીના કેમ્પસની અંદર ચાલતા નશાના કાળા કારોબાર પર પોલીસે દરોડો પાડ્યો છે. કેમ્પસમાં આવેલી ઓરડીમાં બૂટલેગરે લાંબા સમયથી દારૂની ભઠ્ઠી ચાલુ કરી દીધી હતી. પોલીસ ખાબકી ત્યારે 32 લિટર દારૂ અને 240 લિટર આથો મળી આવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનવર્સિટી કેમ્પસમાં એથ્લેટિક ગ્રાઉન્ડના વળાંક પાસે ચારબાઇ માતાજીના મંદિર પાસે આવેલી ઓરડીમાં રૈયાધારનો બૂટલેગર અંકિત ઉર્ફે ભોલો અશોક સોલંકી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ મેહુલ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીસીબીના વિજયભાઇ મેતા સહિતની ટીમ ખાબકી હતી. પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશી ત્યારે પોલીસને પણ શંકા હતી કે, યુનિવર્સિટી શિક્ષણધામ છે. અહીં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી ખોટી હોઇ શકે, જોકે પોલીસ માહિતી પર આગળ વધી હતી યુનિવર્સિટી કેમ્પસની અંદર ચારબાઇ માતાજીના મંદિર પાસે આવેલી ઓરડીએ પહોંચી અને ઓરડીનું બારણું ખોલ્યું તો પોલીસ પણ ચોંકી ગઇ હતી. ઓરડીમાં ગેસના ચૂલા પર દારૂ બની રહ્યો હતો. ભઠ્ઠીમાં ટીંપણા, મોટા તપેલા તેમજ ભઠ્ઠીના અન્ય સાધનો હતા.