માર્ચમાં છૂટક ફુગાવાનો દર 5.66 ટકા નોંધાયો હતો, જે 15 મહિનામાં સૌથી નીચો છે. આ સાથે જ ફુગાવાનો દર રિઝર્વ બેન્કના છ ટકાના માપદંડથી નીચો નોંધાયો છે. શાકભાજી તથા પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાના કારણે ફુગાવા દર ઘટ્યો છે. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો 6.44 ટકા હતો, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં તે 6.95 ટકા નોંધાયો હતો.
છેલ્લે 2021ના ડિસેમ્બરમાં ફુગાવાનો દર 5.66 ટકા હતો. રિઝર્વ બેન્કે ફુગાવાનો દર 4થી 6 ટકા વચ્ચે રહેવો જોઈએ એવો નિર્દેશ આપેલો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના આંકડા અનુસાર માર્ચ મહિનામાં શાકભાજીના મોંઘવારી દરમાં 8.51 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ચરબીયુક્ત તથા તેલ આધારિત ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી દર 7.86 ટકા ઘટ્યો હતો.
વીજળી, ખનીજ ક્ષેત્રના કારણે ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું
માર્ચ મહિનામાં વીજળી, ઉત્પાદન તથા ખનીજ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો થતાં દેશમાં કુલ ઔદ્યોગિક ઉત્પાદન જાન્યુઆરીમાં 5.5ની તુલનામાં ફેબ્રુઆરી મહિનામાં 5.6 ટકા નોંધાયું હતું. જે નજીવો વધારો સૂચવે છે. એનએસઓ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 5.3 ટકાનો વધારો થયો હતો જે ગત વર્ષે આ જ ગાળામાં 0.2 ટકા હતું. જ્યારે માઇનિંગ ક્ષેત્રે 4.6 ટકા તો વીજ ક્ષેત્રે 8.2 ટકા ઉત્પાદન વધ્યું હતું.