રાજ્યના છેવાડાની હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય અને તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી 8 મહિના પહેલા એર એમ્બ્યુલન્સની સર્વિસ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટના એક વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ હતું. અને તેમની સારવાર પણ રાજકોટમાં પડકારજનક હતી. આવા સમયે 108ની એર એમ્બ્યુલન્સ મારફત તેમને મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે જે આ ગુજરાતનો બીજો કિસ્સો છે. આ પૂર્વે રાજકોટના જ એક દર્દીને ચેન્નાઇ ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
ઈન્ફેકશનના કારણે બેભાન થઈ ગયા
આ અંગે 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં 84 વર્ષીય નીતાબેન મહેયા સારવાર હેઠળ હતા. દર્દીને મગજમાં ચેતાતંતુના ઈન્ફેકશનના કારણે ભાન ભૂલી ગયેલા હતા, જેના લીધે દર્દી બેભાન થઈ ગયા હતા અને આંચકી - ખેંચ ઉપડી ગઈ હોવાથી તેમને વધુ સારવાર અર્થે તત્કાલ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી. દર્દીનો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવાનું નક્કી થયું હતું. 108ને આ અંગે માહિતી મળતા108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલથી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા.