બ્રિટનમાં બુધવારે 5 લાખથી વધુ લોકોએ લંડનના રસ્તાઓ પર ઉતરીને ઋષિ સુનકની સરકારની વિરોધમાં પ્રદર્શન કર્યું હતુ. આ પ્રદર્શનને દાયકાનું સૌથી મોટુ પ્રદર્શન કહેવામાં આવી રહ્યું છે. વિરોધ કરનારા લોકોમાં સૌથી વધુ શિક્ષકો, સિવિલ સર્વેંટ, અને ટ્રેનના ડ્રાઇવર્સ રહ્યા હતા, જે પોતાનું કામ છોડીને હડતાલ પર જતાં રહ્યા. આ લોકો સરકાર પાસેથી પગાર વધારવાની અને મોંઘવારી કંટ્રોલમાં કરવાની માંગ કરી રહ્યા છે.
અલજઝીરાના જણાવ્યા અનુસાર, હડતાળ પર ઉતરેલા લોકોમાં લગભગ 3 લાખ શિક્ષકો હતા, જેઓ કોરોના અને પછી યુક્રેન યુદ્ધના કારણે વધેલી મોંઘવારીથી પરેશાન છે. હડતાલની પહેલાથી વડાપ્રધાન ઓફિસે ચેતવણી જાહેર કરતાં કહ્યું હતું કે, આનાથી અવ્યવસ્થા ફેલાશે. તેમ છતાં લોકો સહમત ન થયા અને વિરોધમાં જોડાયા હતા.
નેશનલ અજ્યુકેશન યુનિયને જણાવ્યું કે, શિક્ષકોની હડતાલ એટલી મોટી હતી કે, તેની અસર 23 હજાર સ્કૂલો પર થઈ હતી. બીજી બાજુ બ્રિટનમાં ટ્રેન ડ્રાઇવર્સના કામ પર ન આવવાથી વધુ પડતી ટ્રેન બંધ રહી હતી. હડતાલમાં સામેલ એક 33 વર્ષીય શિક્ષક નિક હોને જણાવ્યું કે, જે પ્રકારે બ્રિટનમાં મોઘવારી વધી છે, એ પ્રમાણે ખર્ચ પૂરો પાડવામાં તેમની સેલેરી ઓછી પડી રહી છે. 10 કલાક કામ કર્યા પછી પણ પાસ્તા ખાઇને દિવસ ગુજારવો પડે છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ અનુસાર, 2010 થી 2022ની વચ્ચે, શિક્ષકોના પગારમાં 9 થી 10% નો ઘટાડો થયો છે.