પાકિસ્તાન હવે દેવાળિયો દેશ બનવાની તૈયારીમાં છે. ત્રણ મહિના ચાલે એટલું જ સરકારી ભંડોળ છે. ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે અને લોકો હેરાન-પરેશાન છે. સરકારે વીજળીનો ખર્ચ બચાવવા માટે મોલ, રસ્તાઓ અને જાહેર સ્થળોએ રાત્રે આઠ વાગ્યા પછીથી લાઈટ બંધ કરાવી દીધી છે. આવી અરાજકતાભરી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં લોટનો ભાવ 150 રૂપિયે કિલોએ પહોંચી ગયો છે. એટલે સરકાર ઓછા ભાવે કેટલાક વિસ્તારોમાં લોટ આપી રહી છે. સસ્તો લોટ લેવાની લ્હાયમાં સિંધ રાજ્યના મીરપુર ખાસ જિલ્લામાં ધક્કા-મુક્કી થઈ અને આ અફરાતફરીમાં પાંચ લોકોનાં મોત થયાં છે.
સિંઘ રાજ્યના મીરપુર ખાસ જિલ્લામાં ફૂડ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રકમાં લોટનાં પેકેટ મોકલવામાં આવ્યાં હતાં અને તે ઓછી કિંમતે વેચાવાનાં હતાં. ટ્રક ભરીને પેકેટ આવ્યાં છે, તે જોઈને લોકોની ભીડ ઊમટી અને જોતજોતામાં ભીડ વધવા લાગી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, લોટનાં પેકેટ લેવા ધક્કા-મુક્કી થઈ અને એકબીજાના હાથમાંથી પેકેટ ઝૂંટવી લેવા ધમાલ મચી. આ ધમાલમાં કેટલાય લોકો ઘાયલ થયા. 35 વર્ષના એક મજૂરને લોકો પગ હેઠળ કચડતા રહ્યા ત્યાં તે મૃત્યુ પામ્યો છે તેનું પણ કોઈને ધ્યાન ન રહ્યું.
બીજા એક બનાવમાં શહીદ બેનઝિરાબાદ જિલ્લાના સકરંદ નામના ગામડામાં લોટ દળવાની મિલ બહાર સસ્તો લોટ ખરીદવા ભીડ જમા થઈ હતી અને ત્યાં પણ ઝૂંટાઝૂંટી અને ભાગદોડ થઈ હતી. આ બનાવમાં ત્રણ મહિલાનાં મોત થયાં હતાં.
લોટની કિંમત 140-160 રૂપિયે કિલો
સિંધ પ્રાંતમાં લોટની ડિમાન્ડ વધારે અને સપ્લાય બહુ ઓછો છે. સિંધ અને કરાચીમાં લોટની કિંમત 140થી 160 રૂપિયે કિલો છે. સબસિડી રેટમાં લોટ 65 રૂપિયે કિલો સુધી વેચાઈ રહ્યો છે. હાલત એટલી ખરાબ છે કે લોકો 5-5 કિલોની થેલી માટે પણ ધબધબાટી બોલાવે છે.