રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024માં સતત પાંચમી જીત મેળવી છે. ટીમે વર્તમાન સિઝનની 62મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે RCBએ તેની પ્લેઑફની આશા જીવંત રાખી છે. ટીમ 12 પોઈન્ટ સાથે પાંચમાં નંબર પર આવી છે. આ સાથે જ દિલ્હી છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બેંગલુરુએ હોમ ગ્રાઉન્ડ પર 20 ઓવરમાં 9 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 19.1 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
RCB માટે રજત પાટીદારે 32 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી જ્યારે વિલ જેક્સે 41 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 3 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીને 32 રનની અણનમ ઇનિંગ રમી હતી. ખલીલ અહેમદ અને રસિક સલામને 2-2 વિકેટ મળી હતી. ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.
DCના કેપ્ટન અક્ષર પટેલે 57 રનની ઇનિંગ રમી હતી. શાઈ હોપ 29 રન બનાવીને આઉટ થયા હતા અને જેક ફ્રેઝર-મેગર્ક 21 રન બનાવીને આઉટ થયો હતો. યશ દયાલને 3 અને લોકી ફર્ગ્યુસનને 2-2 વિકેટ મળી હતી. સ્વપ્નિલ સિંહ, મોહમ્મદ સિરાજ અને કેમરૂન ગ્રીનને એક-એક વિકેટ મળી હતી. 2 બેટર્સ રનઆઉટ થયા હતા.